પરિવાર સહિત મતદાન કરી દાહોદના નાગરિકોને મહત્તમ મતદાન કરવા કરી અપીલ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ અન્વયે આજે તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ આજે વહેલી સવારે દાહોદ આઈ.ટી.આઈ. ખાતે સહપરિવાર આવી મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી.
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કલેકટર યોગેશ નિરગુડેએ લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે, મજબૂત અને પારદર્શક વહીવટ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. મતદાન એ લોકશાહીનો જીવ છે. સૌએ મતદાન કરવું જોઈએ એમ કહેતાં તેમણે તમામ નગરજનોને પણ ઘરની બહાર નીકળી, નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.


