ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીએ વિરમગામ શહેરમાં કન્યા શક્તિ પુજન કર્યુ

0
103

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

– પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે પીસીપીએનડીટી એક્ટ તથા ડો.શ્રધ્ધા રાજપુતે કન્યા પુજન શા માટે જરૂરી છે તે વિષય પર વક્તવ્ય આપ્યુ

ચૈત્રી નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યુ છે ત્યારે ચૈત્ર સુદ-૮, તા.-૨૪-૦૩-૨૦૧૮ને શનિવારના રોજ લોહાણા જ્ઞાતિ વાડી વિરમગામ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે કન્યા શક્તિ પુજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્નિ અંજલીબેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૈત્રી નવરાત્રીના આઠમા દિવસને શક્તિ પુજાનો દિવસ માનવામાં આવતો હોઇ શક્તિ રૂપી કન્યાઓનું પુજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ દ્વારા સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા માટે શુ કરી શકાય તથા P.C.P.N.D.T. એક્ટ અંગે માહીતી આપવામાં આવી હતી અને જીલ્લા ભાજપ મંત્રી ડો.શ્રધ્ધા રાજપુત દ્વારા કન્યા પુજન કાર્યક્રમની અગત્યતા સમજાવવામાં આવી હતી. જીલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલ તથા ભાજપના હોદ્દેદારો, નગરપાલીકાના કાઉન્સિલરો તથા જીલ્લા કલેક્ટર અવંતિકાસિંગ દ્વારા મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીનું સ્વાગત કર્યુ હતુ. મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા કન્યા પુજન કરી આરતી ઉતારીને દિકરીઓને ફળ તથા ઇનામ આપવામાં આવ્યા હતા.

વિરમગામ ખાતે આયોજિત કન્યા શક્તિ પુજન કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણીએ જણાવ્યુ હતુ કે, દિકરી છે તો સંસાર છે. દિકરી બે કુળને તારે છે. દિકરીએ તો તુલસીનો ક્યારો છે. દિકરીએ તો શક્તિ છે. દિકરીને જન્મ આપીને તેનુ લાલન પાલન કરજો અને દિકરીઓને પણ ભણાવજો. ચૈત્રી નવરાત્રી દરમ્યાન મને દિકરીઓના પુજનનો લાભ મળ્યો તે માટે હું મારી જાતને નસીબદાર માનું છું. દિકરીઓની માતાઓને વંદન. દિકરી એ તો સાક્ષાત શક્તિ સ્વરૂપ છે.

અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલે જણાવ્યુ હતુ કે, નવરાત્રીના ઉપવાસના પર્વ સમયે કન્યાના પુજનનો કાર્યક્રમ સમગ્ર અમદાવાદ જીલ્લાની આંગણવાડીઓમાં કરવામાં આવ્યો છે અને ૧૫૨૭ આંગણવાડીઓમાં કન્યાઓનું પુજન કરવામાં આવ્યુ છે.

વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે જણાવ્યુ હતુ કે, ચૈત્રી નવરાત્રીની આઠમે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવવાના ઉદેશ્યથી આંગણવાડીની દિકરીઓનુ પુજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જિલ્લાના કાર્યક્રમનું વિરમગામ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી ડો.શ્રધ્ધા રાજપુતે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતમાં કન્યા પુજનના અનેક કાર્યક્રમો થાય છે. અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણાડીઓમાં  કન્યા પુજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આઇસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. અમદાવાદ જિલ્લામાં જે રીતે આંગણવાડીઓમાં એક સાથે કન્યા પુજન કરવામાં આવ્યુ તે રીતે સમગ્ર રાજ્ય, દેશભરમાં કન્યા પુજન કરવામાં આવશે તેવી આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here