દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં લીમડી ગામના દરજી સમાજ મહિલા મંડળ દ્વારા આજે તા.૦૫/૧૧/૨૦૨૨ ને શનિવારના રોજ તુલસી વિવાહનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ તુલસી વિવાહમાં કન્યા પક્ષ (તુલસીજી) તરફથી પરમાર (દરજી) ઘનશ્યામભાઈ દામોદરદાસ અને વર પક્ષ (શાલિગ્રામ ભગવાન) તરફથી રાઠોડ (દરજી) ચંદ્રકાંતભાઈ એ યજમાની કરેલ હતી. આ તુલસી વિવાહની શોભાયાત્રા રાઠોડ (દરજી) ચંદ્રકાંતભાઈ નાં ત્યાંથી નીકળી નવા બજાર થઈ સુભાષ ચોક થી બસ સ્ટેશન થી કારઠ રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ પર આવી પહોંચી હતી. આ શોભાયાત્રામાં અબાલ વૃદ્ધ, મહિલાઓ, પુરુષો તથા નાના બાળકો જોડાયા હતા. અને નગરમાં જ્યારે આ શોભાયાત્રા નીકળી ત્યારે રસ્તામાં મહિલા મંડળ દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ અને કારઠ રોડ દરજી પ્રકાશભાઈ દામોદરદાસને ત્યાં વિસામો આપ્યો હતો જ્યાં સમાજના દરેક વ્યકિત માટે હલકા નાસ્તાનું તેમના તરફથી આયોજન કરેલ. આ શોભાયાત્રા બાદ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન શાલિગ્રામ અને તુલસીજીનો વિવાહ ધૂમધામ થી ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. તુલસી વિવાહ સંપન્ન થયા બાદ લીમડી નગરના દરજી સમાજના વડીલ બંધુઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સમાજના સૌ ભક્તો માટે પંચામૃત ભોજન પ્રસાદી રાખવામાં આવી હતી. અને આ સમગ્ર કાર્યક્રમ સૌ એ ખૂબ આનંદ ઉલ્લાસ માં ઉજવ્યો હતો.