લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે દાહોદ મતવિસ્તારની ચૂંટણી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમ હેઠળ ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને નાગરિકો, યુવાઓ કે મતદારોને ચૂંટણી પ્રક્રિયા અંગે અવગત કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેજ અને શાળાના વિધાર્થીઓ પણ ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર બને તે માટે શાળાઓ, શહેરો અને ગામડાઓ, ખેડૂતો, મહિલાઓ અને કિશોરીઓ તેમજ કોલેજો અને યુવાઓમાં મતદાન અંગે જન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જે અંતર્ગત ૧૩૦ – ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઝાલોદ તાલુકાની ચાટકા પ્રાથમિક શાળા તેમજ કાળાપીપળ પ્રાથમિક શાળાના નાનકડા ભુલકાઓએ મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં પોસ્ટર્સ સાથે રેલી યોજી હતી, ઉપરાંત વસંત મસાલા પ્રોડક્શન હાઉસમાં કામ કરતા કામદારોને પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન કરવા માટે E.V.M. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન), પોસ્ટલ બેલેટ, ચૂંટણીલક્ષી એપ્લીકેશન્સ સહિતની બાબતો અંગેની વિસ્તારપુર્વક સમજ આપી માહિતગાર કર્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ ફરજિયાત મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.