બાળ કાવડ યાત્રામાં ખૂબ મોટા પ્રમાણમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
ઝાલોદ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ કાવડ યાત્રા પંચમુખી મંડલેશ્વર મહાદેવ મંદિરથી પગપાળા થઈ ઝાલોદ સોમનાથ મંદિરે રાખવામાં આવી હતી. આ કાવડ યાત્રાનો વિચાર નગર માટે નવો હતો પણ સુંદર હતો. બાળ કાવડ યાત્રામાં નાના નાના બાળકો ખુબજ મોટા પ્રમાણમાં જોડાયા હતા, નાના નાના બાળકોનો કાવડ યાત્રાને લઈ ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. નાના બાળકો ઓમ નમઃ શિવાયની ધુન તેમજ બોલ બમ બમ ભોલે બોલતા બોલતા જતા હતા તે ખુબજ સરસ લાગતું હતું. નાના બાળકોમાં ધર્મ પ્રત્યે જાગૃતી આવી છે તેમજ તેઓ ધર્મમાં રુચિ પણ રાખે છે તે તેમના વર્તનમાં જોવા મળતું હતું. નગરમાં નાના નાના બાળકો કાવડ યાત્રા લઈને આવતા નગરમાં પણ અનેરું વાતાવરણ સર્જાયું હતું. બાળકોમાં ભક્તિનો સંચાર અને લગાવ જોઈ લોકો પણ બાળકોને સહકાર આપતા જોવાયા હતા અને નગરમાં બાળકો સાથે કાવડયાત્રામાં જોડાયા હતા. છેલ્લે બાળકો દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે કાવડનું જળ શિવજીને ચઢાવી પૂજા અર્ચના તેમજ આરતી કરી હતી, નગરમાં બાળ કાવડ યાત્રાના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના વિચારને લોકોએ વધાવી લીધો હતો અને આવું સુંદર કાર્ય દર વર્ષે થાય તેમ લોકો કહેતા હતા.