ગામમાં થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરાઈ.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ પેથાપુર ગામે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી. રાત્રી સભા દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે દ્વારા જિલ્લામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની અંગેની ચર્ચા – વિચારણા પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગામના થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટર દ્વારા ગ્રામજનોની રજુઆતોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
રાત્રી સભા પૂર્ણ થયા બાદ દાહોદ કલેકટર યોગેશ નિરગુડે દ્વારા પેથાપુર ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી હતી જે દરમ્યાન ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ઝાલોદ મામલતદાર કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમ્યાન કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઝાલોદ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓના કર્મચારીઓને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત સુચનાઓ પણ આપવામાં આવી હતી. રાત્રી સભા દરમ્યાન ઝાલોદ પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી કે.એચ. ગઢવી, ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ચાકલીયા પી.એસ.આઇ. જે. કે. રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી ભાભોર સહિત અન્ય સંબંધિત અધિકારીઓ તેમજ પેથાપુર સરપંચ રાજેશભાઈ ગરાસીયા, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ શીતલ વાઘેલા, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.