વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૮ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

0
61

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

– પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૭૩ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને અરક્ષીત બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે.

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન અર્બન હેલ્થ સેન્ટર ખાતે નગરપાલીકા પ્રમુખ કાંતિભાઇ પટેલ તથા ઉપપ્રમુખ નવદિપભાઇ ડોડીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી પોલીયો અભીયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના કુલ ૨૮ હજાર થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયો રોગ સામે રક્ષીત કરવામાં આવ્યા હતા. પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે વિભાગીય નાયબ નિયામક ડો.એસ.કે. મકવાણા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીઓ, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ શહેર અને તાલુકાના ૬૭ ગામમાં રહેલા ૦ થી ૫ વર્ષના કુલ ૨૮ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયોના રોગ સામે રક્ષણ આપવામાં આવ્યુ હતુ. તાલુકાના તમામ ગામમાં કુલ ૧૪૮ પોલીયો બુથ બનાવવામાં આવ્યા હતા અને ૯ મોબાઇલ ટીમ તથા ૯ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલીયો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યુ છે. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૭૩ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પીલોયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here