દાહોદના છાબ તળાવ ખાતેથી ૩૧ ઓક્ટોબરે સવારે ૭ વાગ્યે “રન ફોર યુનિટી” નો થશે પ્રારંભ
દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તા.૩૧ ઓક્ટોબર ના રોજ “રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું છે. આ “રન ફોર યુનિટી” નો પ્રારંભ સવારે ૭ વાગ્યે દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતેથી કરવામાં આવશે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમની જન્મજયંતી નિમિત્તે યોજાનારી આ “રન ફોર યુનિટી” નો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાનો અને દેશની અખંડિતતા જાળવવા માટે સૌને પ્રેરિત કરવાનો છે. “રન ફોર યુનિટી” છાબ તળાવથી શરૂ થઈ વિશ્રામ ગૃહ, એસ.પી. કચેરી, તાલુકા પંચાયત, માણેકચોક અને ભગિની સમાજ સર્કલ થઈને પરત છાબ તળાવ ખાતે પૂર્ણ થશે.
આ કાર્યક્રમમાં જિલ્લાના નગરજનો, આગેવાનો, યુવાનો, વિવિધ સંગઠનોના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, યોગ બોર્ડના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તેમજ NCC અને NSS ના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાશે. દોડમાં ભાગ લેનારા તમામ સહભાગીઓ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે એકતા શપથ લેશે. જિલ્લાના તમામ નાગરિકોને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારી “રન ફોર યુનિટી” માં જોડાઈ રાષ્ટ્રીય એકતાના સંદેશને મજબૂત બનાવવા માટે સહભાગી બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આમંત્રણ પાઠવમાં આવે છે.


