THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કોવીડ વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાનો આજે તા.૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવારથી પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત તા. ૧૫ જુલાઈ થી ૭૫ દિવસ સુધી જિલ્લામાં ૧૮ થી ૫૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિના મૂલ્યે અપાશે.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આજે દાહોદ નગરનાં અર્બન હેલ્થ સેન્ટર – ૧ ગારખાયા ખાતેથી કોવિડ-૧૯ પ્રિકોશન ડોઝનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી એ પણ આ વેળાએ કોવીડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધો હતો.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું કે, તા. ૧૫ જુલાઈ થી ૧૮ થી ૫૯ વર્ષના તમામ લાભાર્થીઓને ૭૫ દિવસ માટે કોવિડ-૧૯ વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિના મૂલ્ય દાહોદના તમામ સરકારી દવાખાનામાંથી લઈ શકાશે અને જિલ્લાના નાગરિકોને વિનંતી કરી કે તેઓ પોતાનો પ્રિકોશન ડોઝ વહેલામાં વહેલી તકે લઈ લે અને કોવિડ ૧૯ સામે વધુ સુરક્ષિત થઇ જાય.
નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે ૧૮ થી ૫૯ વર્ષના વયજુથ ના લોકો જેઓ પ્રિકોશન ડોઝ લેવાનો સમય થઇ ગયો હોય તેમને સત્વરે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી હતી. આ વેળા C.D.H.O. ડૉ. ચંદ્રકાંત પટેલ, A.D.H.O. ડૉ. રવિ ડેડાનીયા, T.H.O. ડૉ.ભગીરથ બામણીયા, નગર પાલિકા કાઉન્સીલર દીપેશ લાલપુરવાળા તેમજ આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે નોંધનીય છે કે ૧૮ થી ૫૯ વર્ષની વય જૂથના અને બીજા ડોઝના છ મહિનાપૂર્ણ થઈ ગયા હોય તેવા લોકો એ જ આ પ્રિકોશન ડોઝ માટે યોગ્ય ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રિકોશન ડોઝની કામગીરીનો આરંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો છે.