લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી સમગ્ર દાહોદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપ અભિયાન હેઠળ મતદારોને જાગ્રત કરવાના હેતુથી અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત દાહોદમાં એસ. આર. કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે ૧૩૨-દાહોદ વિધાનસભા મત વિભાગના મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ તથા મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રથમ મતદાર હોય તો બિનચૂક મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ચૂંટણી અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી આપીને મત આપવાની પ્રક્રિયા, એક એક મતનું મહત્વ, દરેક મતની તાકાત શું હોય એ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અચૂક મતદાન કરે અને અન્યને પણ મત આપવા પ્રેરિત કરે એ માટેનું સૂચન કરવામા આવ્યું હતું. લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે તેમના મતની શું કિંમત હોઇ શકે તેની વિસ્તૃત જાણકારી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને તેમના સહપરિવાર મતદાન કરવા માટેની સમજણ આપવાની સાથે સો ટકા મતદાન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાહોદના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભગીરથ બામણિયા, સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સીપાલ સહિત અન્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા .