મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગોધરા ખાતે પંચમહાલ – ગોધરા રેન્જની નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ
- શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, કૃષિ, ગ્રામ વિકાસ અને રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાતે વર્લ્ડ-ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- ગ્રામ વિકાસ માટે સહકારિતા મહત્ત્વનું પરિબળ અને પ્રવૃત્તિ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે તા.૦૧/૦૫/૨૦૨૫ ને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે ₹644 કરોડથી વધુના 85 જેટલા જનકલ્યાણના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું. તથા આજના આ ગુજરાત ગૌરવ દિવસ – 2025 ની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પંચામૃત ડેરી, ગોધરા ખાતે અંદાજિત ₹. 285 કરોડના ખર્ચે યુ.એચ.ટી. મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું.
વધુમાં તેઓએ કહ્યું કે, રાજ્યમાં હાઈ-સ્પીડ કોરિડોર વિકસાવીને વધુ સંગીન કનેક્ટિવિટી આપવાની આપણી નેમ છે. આ વર્ષના બજેટમાં આવા 12 જેટલા ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર વિકસાવવાનું આયોજન કર્યું છે, પંચમહાલ જિલ્લાના સંતરામપુર મોરવાહડફ રોડને ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર બનાવવા બજેટમાં મંજૂરી મળેલ છે અને શ્રમયોગીઓના કલ્યાણ માટે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જે રાજ્ય સરકારની શ્રમયોગીઓના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના અન્ય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત.