ગુજરાત રાજ્ય આશ્રમશાળા અને છાત્રાલય સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના સન્માનનો કાર્યક્રમ દાહોદના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, સ્વામી વિવેકાનંદ સંકુલ ગોવિંદનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના આદિજાતિ વિકાસ અને શિક્ષણના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ગોધરાના સાંસદ રતનસિંહ રાઠોડ, રાજ્યના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ તેમજ દાહોદ જિલ્લના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ કુબેર ડિંડોરએ જણાવ્યું હતું કે આપણે ટેકનોલોજી સાથે આગળ વધવું પડશે અને આત્મનિર્ભર શિક્ષણ શાળાઓમાં આપવું પડશે અને કહ્યું હતું કે ગુજરાત સરકારે આદિવાસીઓ માટે તમામ જરૂરિયાતો વાળી યોજનાઓ લાગુ કરી છે અને છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ આ યોજનાઓ પહોંચે તેના માટે એક ડેમોગ્રાફી બનાવી તેને ધરાતલ ઉપર ઉતારી છે. જો શિક્ષણની વાત કરીએ તો ગુજરાત સરકારની ઠેર ઠેર શાળાઓ, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજનાઓ, અલ્પ સાક્ષરતા, કન્યા નિવાસી યોજના, રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ, એકલવ્ય મોડેલ સ્કુલ અને સર્વશિક્ષા અભિયાન જેવી ઉત્કૃષ્ટ યોજનાઓના લાભ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ સંચાલક મંડળો, આચાર્યો અને શિક્ષણ જગતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.