THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલા હોટલ, ગેસ્ટ હાઉસ સહિતના એકમો ખાતે સીસીટીવી કેમેરા અનિવાર્યપણે લગાવવાના રહેશે.
દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા થકી દાહોદ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલા વિવિધ એકમો જેવા કે હોટલ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ, ધર્મશાળા, મંદિરો-મસ્જિદો, કોર્મશીયલ એકમો, ટોલ પ્લાઝા વગેરે ખાતે સીસીટીવી કેમેરા અર્નિવાય પણે લગાવવા આદેશ કર્યા છે. હાઇ વે ઉપર ચોરી તથા લુંટફાટ જેવી ઘટનાઓ ન બને અને હાઇવેનો ઉપરથી પ્રવાસ સુરક્ષિત બને એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આદેશ કરાયા છે.
જાહેરનામા મુજબ, કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા તથા વાહનોના નંબર સપષ્ટ રીતે દેખાય તે રીતે CCTV કેમેરા લગાવવાના રહેશે. તેમજ એકમના કેમ્પસના વિવિધ ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ કેમ્પસને આવરી લેતા CCTV કેમેરા લગાવવાના રહેશે. તેમજ તેના બેક અપની જાળવણી એક માસ સુધીની રાખવાની રહેશે. આ CCTV કેમેરા અદ્યતન ટેકનોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધા સાથેના અને નિયત કરેલી સ્ટોરેજ કરેલી કેપેસીટી સાથેની સુવિધાવાળા લગાવવાના રહેશે. તેમજ માલિકો, સંચાલકો હસ્તકના CCTV કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે.
દાહોદ જિલ્લામાં નેશનલ હાઇવે નં. ૪૭ જે મધ્યપ્રદેશ રાજ્યની હદથી પંચમહાલ જિલ્લાની હદ સુધી જોડાયેલો છે અને લંબાઇ ૭૦ કિમી જેટલી છે. તેમજ ઝાલોદ થી મધ્યપ્રદેશના અલીરાજપુરની હદ સુધી હાઇવે આવેલો છે. આ હાઇવે ઉપર મોટી સંખ્યામાં મુસાફરો, ખાનગી માલવાહક, પ્રવાસી વાહનોની અવર જવર થતી હોય છે, ત્યારે હાઇ વે ઉપર ચોરી, લુંટફાટ જેવી ઘટનાઓ ન બને અને હાઇવેનો પ્રવાસ ઉપરથી સુરક્ષિત બને એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવા વિનંતી કરી હોય જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવી એ આ આદેશ તા.૦૯/૧૧/૨૦૨૨ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહે તે રીતે કર્યો છે.