દાહોદ ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરતા જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમાર

0
266

EDITORIAL DESK – DAHOD

 

તમામ વાહન ચાલકો અને નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો ઘણા લોકોની જીંદગી બચશે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરીએ : જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમાર

દાહોદ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી દ્વારા તા. ૨૯-૧-૨૦૧૮ થી તા. ૪-૨-૨૦૧૮ સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારના વરદ્દહસ્તે સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર ની કચેરી, ગરબાડા ચોકડી, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.
દિપ પ્રાગટ્ય સાથે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરતાં જે રંજીથ કુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મૂળભૂત ઉદેશ લોકોની અમુલ્ય જીંદગી બચાવવાનો છે. તે માટે તમામ વાહન ચાલકો અને નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે.તો ઘણા લોકોની જીંદગી બચશે. વાહન અકસ્માતમાં હેલ્મેટ જેવી સામાન્ય વસ્તુ થકી માથામાં થતી ઇજાને કારણે જ ઘણા વ્યક્તિઓ મોતને ભેટે છે. જે માટે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરીએ. લાયસન્સ અવશ્ય સાથે રાખીએ. નેશનલ હાઇવે કે સ્ટેટ હાઇવે સાથે જોડાતા રસ્તાઓ ઉપર અને સાંકડા રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરો મુકવામાં આવે, રોડની ડિઝાઇન હાઇવે ડિવાઇડર અધતન કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતુ. દાહોદ સ્માર્ટ સીટી બનવાનું છે. ત્યારે મુખ્ય રસ્તાઓ ઉપર સી.સી.ટી.વી. કેમરા મુકવાનું આયોજન છે. જેનાથી ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પકડાઇ જશે અને તેમને દંડ કરાશે. માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સહિત જન જન સુધી આ સંદેશો પહોંચે તેવી અપેક્ષા કલેક્ટરશ્રીએ વ્યક્ત કરતાં આર.ટી.ઓ.કચેરીનું અધતન નવનિર્મિત ભવન આગામી સમયમાં ઇન્દોર હાઇવે રોડ ઉપર ટોલ નાકા પાસે બનાવવાના આયોજનનો ઉલ્લેખ કર્યો હતો.
દાહોદ ડી.વાય.એસ.પી.શ્રી તેજશ પટેલે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના મૂળભૂત ઉદેશની સમજ આપતાં જણાવ્યું હતું કે પોલીસ તંત્ર અને આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવે છે. જુદા જુદા સેમિનારો, પરિસંવાદો યોજી ટ્રાફિક નિયમોનું જ્ઞાન પુરૂ પાડવામાં આવે છે. સતત પ્રયાસો કરી પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. પણ અમલ તો વાહન ચાલકે અને જનતાએ કરવાનો છે. ભારે વાહનોમાં રીફલેક્ટર હોતા નથી વાહન ગંદા હોવાના કારણે અકસ્માત થવાના બનાવો બને છે. ત્યારે સ્વચ્છતા જાળવવા સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
દાહોદ નગરપાલિકા પ્રમુખસુશ્રી સંયુક્તાબેન મોદીએ બાળકો દ્વારા વાહન અકસ્માતના બનાવો ઘણા બનતા હોય છે. ત્યારે વાલીઓ અને શિક્ષકો સહિત આર.ટી.ઓ. કચેરી દ્વારા સમયાંતરે સેમિનારો યોજાય, વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આ ઉજવણીનો હેતુ સાર્થક થયો ગણાશે.
આ કાર્યક્મમાં દાહોદ ઇન્ચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ટી.વી.દંત્રોલિયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર વાહન અકસ્માતો ને રોકવા માટે દર વર્ષે આ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નાગરિકો અને વાહન ચાલકોનો સહયોગ રહેશે અને ટ્રાફિક નિયમો જળવાય તો ઉજવણીનો હેતુ સાર્થક થવા સાથે અમુલ્ય જીંદગીઓ બચશે. તેમ જણાવતાં સપ્તાહ દરમિયાન ઉજવાનાર કાર્યક્રમોની રૂપરેખા પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં આભાર વિધિ પ્રોગ્રામ આસિસટન્ટ નિર્મલ ચૌહાણે આભાર વિધિ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સબ ઇન્સ્પેટરશ્રી એસ.આર.પટેલ, પોલિસ અને આર.ટી.ઓ વિભાગના સબ ઇન્સ્પેટરશ્રીઓ, અગ્રણીઓ, નગરજનો વાહનચાલકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here