દાહોદ જિલ્લાનો ૭૧મો સ્વાતંત્ર્ય દિવસ નવરચિત શીંગવડ તાલુકા મથક ખાતે રંગેચંગે ઉજવાયો

0
349

logo-newstok-272-150x53(1)

EDITORIAL DESK -DAHOD

દાહોદ જિલ્લાના ૭૧મા સ્વાતંત્ર્ય પર્વે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે ત્રિરંગો લહેરાવી સલામી આપી. આ રાષ્ટ્રીય પર્વે મંત્રીશ્રી મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયુ. નવરચિત શિંગવડ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા પ્રશાસનને અર્પણ કરવામાં આવ્યો.

દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ નવરચિત શીંગવડ તાલુકાના મુખ્ય મથક શીંગવડ ખાતે ધામધૂમ પૂર્વક રંગેચંગે ઉજવાયો હતો. દાહોદ જિલ્લાના ૭૧મા સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
આ રાષ્ટ્રીય પર્વે ત્રિરંગો લહેરાવી સલામી આપતાં પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી આપણને મહામુલી આઝાદી અપાવનારા અને ભારતની આનબાન અને શાન માટે વંદેમાતરમનો મંત્ર ગુંજવનારા શહીદોની શહાદતને યાદ કરતા આઝાદ ભારતના ઘડવૈયા એવા પૂ. મહાત્માગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ, ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને ૧૯૪૨ના હિન્દ છોડોના આખરી નારા સુધી દાહોદ અને પંચમહાલ જિલ્લાના સ્વાતંત્ર્ય વીરોએ તથા માનગઢ ખાતે ગોવિંદ ગુરૂના નેતૃત્વમાં અંગ્રેજોના અન્યાય સામે શહિદી વ્હોરી લીધી હતી. આ વીર શહિદોના બલીદાનોને યાદ કરી તેઓને શત શત વંદન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ મહામુલી આઝાદીને સાચવવાની જવાબદારી આજની નવયુવા પેઢીની છે. હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સગ્રામમાં ગુજરાત અગ્રિમ પંક્તિમાં રહ્યું છે.
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે આપણા રાષ્ટ્રીય પર્વોને લોકોત્સવના સ્વરૂપે વિશિષ્ટ રીતે ઉજવી તેમાં સૌ પ્રજાજનો જોડાય તેવું અનોખું અભિયાન તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉજવી દેશને પ્રેરણા પૂરી પાડી. આ વિશિષ્ટ ઉજવણીમાં રાષ્ટ્રીય પર્વોને વિકાસ સાથે જોડવામાં આવ્યા છે. વિકાસ એટલે માત્ર મકાન, રસ્તા, પુલ કે જનસુખાકારીના બાંધકામો નહીં પણ લોકોનું ઘડતર થાય તે માટે રાજ્ય સરકાર કૃત નિશ્ચયી છે.
તાજેતરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આવેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા ગુજરાતની પ્રજા પરત્વે વિશેષ લાગણી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ અસરગ્રસ્ત વિસ્તારોની હવાઇ નિરિક્ષણ કરી તુર્તજ ૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જે સંવેદનશીલતાનો પરિચય કરાવે છે.
રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળની પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારે સર્વાંગી વિકાસ કરીને ૩૬૫ દિવસમાં ૫૦૦ જેટલા જનહિતને લગતા પરિણામલક્ષી નિર્ણયો લીધા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પાંચ દિવસના રોકાણ- મુલાકાતો સાથે મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચાધિકારીઓના પરામર્શમાં રહી રાહત બચાવની કામગરી માટે ૧૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. અતિવૃષ્ટિના કારણે માનવમૃત્યુ પામ્યા હોય તેવા કિસ્સાઓમાં રાજય સરકારની રૂા. ૪ લાખની સહાય અને પ્રધાનમંત્રીશ્રીના રાહત ફંડમાંથી રૂા. ૨ લાખની સહાય મળી કુલ રૂા. ૬ લાખની સહાય આપવાની તેમને જાહેરાત કરી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી મળતાં તેની પૂર્ણ ઉંચાઇએ પહોંચશે. જેનો લાભ આગમી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મળશે. ગુજરાતમાં નર્મદા ડેમના નીર કચ્છના ભચાઉના ટપ્પર ડેમ સુધી પહોંચાડી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નીરનો લાભ ગાંધીધામ આદિપુર શહેર અને ૭ ગામોની કુલ ૪ લાખની વસતીને મળશે. સાથે રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા છે. સુજલામ સુફલામ યોજનાની નહેરો તથા ૧૦ પાઇપલાઇન દ્વારા ૩૦૦ કરતાં વધુ તળાવો પાણીથી ભરાતા ઉત્તર ગુજરાતની ૩૦૦૦૦ એકર જમીનને પિયતની સુવિધા મળશે.
વનબંધુ વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂા. ૭૦,૦૦૦/- કરોડની ફાળવણી કરી આદિવાસી વિસ્તારોમાં મેડીકલ, ઇજનેરી કોલેજો, ગુણવત્તા સભર શિક્ષણ માટે ૯૧ એકલવ્ય શાળાઓની સ્થાપના, આદિવાસી વિસ્તારોમાં મહિલાઓને રોજગારી હેતુ માટે ૧,૧૪,૩૪૩ દુધાળા પશુ દ્વારા શ્વેતક્રાંતિ, ૧૧ લાખ પ્રાથમિક શાળાના વિધાર્થીઓને દૂધ સંજીવની યોજનાનો લાભ અપાયો. ગૌણવન પેદાશોના એકત્રીકરણના અધિકારો આદિવાસીઓને સુપ્રત કરી આર્થિક રીતે સશક્ત કરવાની પહેલ કરી છે. ૬ મહાનગરોમાં ૧૦૫૦૦ વિધાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલની સ્થાપના કરવામાં આવી. નવસારી, વડોદરા અને રાજકોટમાં દિવ્યાંગ કેમ્પના આયોજન દ્વારા દિવ્યાંગજનોને કરોડો રૂપીયાના સાધનોનું વિતરણ કરાયુ. ગૌવંશ અટકાવવા દેશભરમાં સૌથી કડક કાયદો ગુજરાતમાં ઘડવામાં આવ્યો છે. રાજય સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ અને દારૂબંધીના ચુસ્ત અમલ માટે સખતાઇ ભર્યા પગલાં લીધા છે. રાજયના પ્રજાજનોના પ્રશ્નો અને સમસ્યાઓ તેમના ઘર આંગણે વિના વિલંબે નિરાકરણ લાવવાના સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલા સેવા સેતુ કાર્યક્રમને જાહેરજનતા તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે અને ૯૮ ટકા અરજીઓનો હકારાત્મક ઉકેલ આવ્યો છે.
શિક્ષિત મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે ખાસ મહિલા રોજગાર મેળાનું આયોજન, મહિલાઓને સ્વાવલંબન થકી રાજ્યનો વિકાસ વધુ વેગવાન બનશે. મહિલા ખેલાડીઓને મહિલા પુરસ્કાર એનાયત, જનની સુરક્ષા યોજના અંતર્ગત ૧.૫૫ લાખ ગર્ભવતિ મહિલાઓને આર્થિક સહાય ચૂકવાશે. આરોગ્ય ક્ષેત્રે ૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુક્ત ગુજરાતનો સંકલ્પ, રાહત દરે દવાઓ માટે ૧૦૦૦ પંડિત દિનદયાળ જન ઔષધિ ભંડાર કેન્દ્રોનું આયોજન, આદિવાસી ક્ષેત્રોમાં સુપરસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલોની સ્થાપના, હદય અને કિડની જેવા રોગોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સમયે ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ જેવી આરોગ્ય લક્ષી સેવાઓ કાર્યરત કરવામાં આવી. રોગજગારક્ષેત્રે ૭૦૦૦૦ જેટલી સરકારી જગ્યાઓની ભરતી કરવામાં આવી. રાજય વ્યાપી મેગાજોબ ફેર શૃખંલા દ્વારા ૧ લાખ ઉપરાંત યુવાનોને હાથોહાથ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ, કર્મયોગીઓને મા વાત્સ્લ્ય કાર્ડની યોજનાનો લાભ સાથે ધો. ૧૨ ની પરીક્ષામાં પાસ થનાર ૩૫૦૦૦૦ વિધાર્થી ભાઇ-બહેનોને ૧૦૦૦ની કિંમતનું ટેબલેટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ૩૭૨૮૭૮ લાભાર્થીઓને પૂરક પોષણનો લાભ, તમામ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજનાનો બાળકોને લાભ, જિલ્લા આયોજન મંડળ હેઠળ વિકાસશીલ તાલુકાની જોગવાઇ હેઠળ વિવિધ વિકાસના કામો માટે રૂા. ૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જુલાઇ ૨૦૧૭ સુધીમાં ૩૪૯ શિક્ષણ સહાયકો અને ૨૦૨ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી. જિલ્લા મથક દાહોદ ખાતે રૂા. ૨૨૫ લાખના ખર્ચે અધતન સુવિધા યુક્ત બે મજલી એસ.ટી.ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે ૬૦.૬૮ લાખ જેટલા રોપાઓનું વિતરણ વાવેતર કરવામાં આવ્યું. છેલ્લા ૧૦ વર્ષમાં ૧૭૮૦ જેટલા પશુ આરોગ્ય મેળા યોજી ૨૦૪૬૦૦ પશુઓને સારવાર આપવમાં આવી. જિલ્લામાં શ્વેતક્રાંતિને વેગવંતી બનાવવા મહિલા મંડળીને ૫૪ દૂધ ઘર માટે ૨૭૦ લાખનો ખર્ચ તથા ૧૨૧ લાખના ખર્ચે ૨૭ જેટલા ગોડાઉનો બનાવવામાં આવ્યા. આરોગય વિભાગ દ્વારા ચિરંજીવી યોજના હેઠળ ૧૨૨૫૨૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો. વિકસતી જાતિના ધો. ૧ થી કોલેજ સુધીના ૧૨૪૭૫૦ વિધાર્થીઓને ૫૮૯ લાખની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૩૦૨ લાભાર્થીઓને મકાનની અરજીઓ મંજુર કરી ૫૩ લાખની સહાય ચૂકવવામાં આવી. જિલ્લામાં સેવાસેતુ કાર્યક્મ હેઠળ ૧૯૮૯૨૮ અરજીઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૯૨૬૧ લાભાર્થીઓને રૂા. ૬૧.૧૫ લાખની સહાય ચૂકવવામાં આવી. ખેતીવાડી ખાતા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૨૫૦૨ ખેડૂતોને પ્રમાણિત બીજ, વર્મી કમ્પોષ્ટ, સેન્દ્રીય ખાતર, સુધારેલ ખેત ઓજારો, જંતુનાશક દવાઓના વિતરણ કરી ૧૩૧૫ લાખની સહાય ચૂકવવામાં આવી. જિલ્લાના ૧૫૪૩૭ સખી મંડળોને રૂા. ૮૨૭ લાખનું રીવોલ્વીંગ ફંડ ચૂકવી મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુમાં શ્રી ખાબડે જણાવ્યુ હતું કે ૧૦૫૪ કરોડના ખર્ચે કડાણા જળાશય આધારિત ઉદ્વહન સિંચાઇ યોજનાથી મહિસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના કુલ સાત તાલુકાઓના ૨૦૯ ગામોને સિંચાઇ યોજનાનો લાભ મળશે. રૂા. ૮૯૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી હાંફેશ્વર નજીક નર્મદા બેજિનમા ઉપલબ્ધ જળ પાઇપલાઇન દ્વારા પાણી પુરુ પાડવાની યોજના છે. આ યોજના થકી દાહોદ જિલ્લાના દક્ષિણ વિસ્તારના ૨૮૫ ગામો તથા દેવગઢબારીયા અને છોટાઉદેપુર શહેરોની કુલ ૧૦૪૫૪૭૬ ની વસતીને પીવાનું પાણી મળશે. એમ રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું.
આ તબક્કે વયોવૃધ્ધ સ્વાતંત્ર્ય સેનાનીઓનું મંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે નવરચિત શિંગવડ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા પ્રશાસનને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ તબક્કે શાળા કોલેજના વિધાર્થીઓએ દ્વારા દેશભક્તિને અને આદિવાસી સાંસ્કૃત્તિને લગતા કાર્યક્રમો રજૂ કર્યા હતા. દાહોદ સુરક્ષા સેતુ દ્વારા મહિલા સંરક્ષણ અને સ્વ રક્ષણ માટે કરાટેના દાવો રજૂ કર્યા હતા. શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યા હતા. જિલ્લાના તેજસ્વી તારલાઓ, ખેલાડીઓને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર – શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગોને મંત્રીશ્રીના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સાંસ્કૃત્તિક કાર્યક્રમોમાં ૩ વિજેતા ટીમોને મંત્રીશ્રીના હસ્તે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી મહાનુભાવોના હ્સ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
નવરચિત શીંગવડ તાલુકા મથકે નવી શરૂ કરાયેલી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પશુ દવાખાનાનું નિરક્ષણ મંત્રીશ્રીએ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં પરેડ નિરિક્ષણ દરિમયાન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડની સાથે દાહોદ જિલ્લા કલેક્ટર જે. રંજીથકુમાર, જિલ્લા વિકાસ અધિકારી સુજલકુમાર મયાત્રા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોજ નિનામા જોડાયા હતા.
આ રાષ્ટ્રીય પર્વે ધારાસભ્યશ્રી વિછીયાભાઇ ભુરીયા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, જૈફ વયોવૃધ્ધ અગ્રણી અને સંત સુમનભાઇ ભાભોર, નિવાસી અધિક કલેક્ટર આર.એમ.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપાધ્યાય, આયોજન અધિકારી આર.વી.ગામિત, જિલ્લા પુરવઠા અધિકારી ગેલાત, લીમખેડા પ્રાંત અધિકારી જે.કે.જાદવ, જિલ્લા તાલુકાના અધિકારીઓ- પદાધિકારી ઓ, શિક્ષકો, કર્મચારીઓ, વિધાર્થીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here