કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં આગામી સમય દરમ્યાન દિવાળી, નુતન વર્ષે જેવા વિવિધ ધાર્મીક તહેવારોની ઉજવણી શાંતિપૂર્વક થાય એ માટે એક જાહેરનામા થકી આદેશ કર્યો.
તદ્દનુસાર, જાહેર સ્થળોએ અને રસ્તાઓ ઉપર સભા, સરઘસ, શોભાયાત્રા, મેળાઓ, પુતળા દહન, સ્નેહ સમ્મેલન, રેલીઓ, ગરબા તથા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ સમ્મેલન, ગરબા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વગર પરવાનગીએ કરવુ નહી. પરવાનગી મેળવી કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકોએ પાર્કિંગ માટે અલગથી વ્યવસ્થા કરવાની રહેશે.
કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર પબ્લીક એડ્રસ સીસ્ટમનો ઉપયોગ રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ કરી શકાશે. શસ્ત્રો, દંડા, તલવાર, ધોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈપણ સાધન લઈ જવું નહીં. કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ જાહેર સ્થળે પણ તેનો ઉપયોગ કરવો નહી. પત્થર અથવા ફેંકી શકાય તેવી બીજી કોઈપણ વસ્તુઓ ફેંકવાના / ધકેલવાના યંત્રો, સાધનો લઈ જવા નહી તથા તૈયાર કરવાં નહીં, મનુષ્યોની આકૃતિઓ, શબો અથવા પુતળા દેખાડવા નહી, અપમાનીત કરવાના અથવા જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહીં. ટોળામાં ફરવું નહી.
જેનાથી સુરૂચી અથવા નિતિનો ભંગ થાય તેમજ જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થા ખોરવાય તેવું ભાષણ કરવું નહી, તેવા હાવભાવ કરવા નહી, તેવી ચેષ્ટા કરવી નહી તથા તેવા પત્રકો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહીં, બતાવવા નહી અથવા તેનો ફેલાવો કોઈ પણ પ્રકારના માધ્યમથી કરવો નહી.અધિકૃત કરેલ સરહદોને ઓળંગવાના પ્રયત્ન કરવો નહી તેમજ સરકારી મિલ્કતો, વાહનોને નુકશાન પહોંચાડવું નહી કે પહોચાડવાનો પ્રયત્ન પણ કરવોં નહી.હોસ્પિટલ, શૈક્ષણીક સંકુલ, અદાલતો, સરકારી કચેરીઓની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારને સાઇલન્સ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.
આ જાહેરનામું હુકમની તારીખ થી તા.૩૧/૧૦/૨૦૨૨ના ૨૪ કલાક સુધી અમલમાં રહેશે.અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસુલી હદ વિસ્તારમાં લાગુ પડશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.