વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બન્યું છે. – મંત્રી એ.નારાયણસ્વામી
દાહોદ જિલ્લાના ખરોદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રી એ.નારાયણસ્વામીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે. કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલા રથને વધાવવા ખરોદા ગામે જનમેદની ઉમટી પડી હતી.
વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મંત્રી એ.નારાયણસ્વામી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓ ના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે. દેશના તમામ ગામો તથા શહેરોમાં વિકસિત ભારત યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અપાઈ રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા સરકાર દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય, રોજગારી, સિંચાઈ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ભારત વિશ્વગુરુ બને અને માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજે તે માટે સરકાર કટિબદ્ધ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા સરકાર કટિબધ્ધ છે. વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બન્યું છે. આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. મંત્રીએ છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય બે હેતુ છે. એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને મળે છે. પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે નાગરિક જાગૃત બને છે. અને બીજો હેતુ એ છે કે જાણકારી મળવાથી લાભાર્થીઓ સો ટકા યોજનાથી લાભાન્વિત થાય છે. કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતાં. સાથે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત માટે શપથ લઈ સંકલ્પબદ્ધ થયા હતા. મંત્રી એ.નારાયણસ્વામી અને ઉપસ્થિત મહાનુભાવો વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, પ્રાંત અધિકારી નીલંજશા રાજપુત, મામલતદાર મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.