પૌરાણિક માન્યતાઓ અને સનાતન ધર્મ અનુસાર ભગવાન વિશ્વકર્માને સર્જન અને સૃષ્ટિના ભગવાન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ આ બ્રહ્માંડની રચના કરી ત્યારે તેને સુંદર બનાવવાનું કામ ભગવાન વિશ્વકર્માને આપ્યું હતું. એટલા માટે ભગવાન વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર પણ કહેવામાં આવે છે. અને મહા સુદ તેરસનાં દિવસે ભગવાન વિશ્વકર્માનો જન્મ થયો હતો. આ દિવસને લુહાર, સોની, કડિયા, દરજી તથા અન્ય જે કોઈ પણ ઓજારો થી કામ કરે છે તેના આ સર્જનહાર કહેવાય છે. અને તેઓ તેમની જયંતી ખૂબ જ ધૂમધામથી ઉજવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાલ સમાજ નવયુવક મંડળ, દાહોદ દ્વારા શહેરમાં ભગવાન શ્રી વિશ્વકર્માજીની ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને વિશેષ રૂપે મહિલા મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં આજે તા.૦૩/૦૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ પંચાલ સમાજ નવયુવક મંડળ, દાહોદ દ્વારા દાહોદ શહેરમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર, ચેતના સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેશર દુધથી અભિષેક કરી ભગવાનનું પુજન કરવામાં આવ્યું હતું. અને સમાજના સૌએ પ્રસાદી રૂપે અલ્પાહાર ગ્રહણ કરી શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રામાં બપોરે ૧૨:૧૫ કલાકે ની જ મંદિરે થી જોડાયા હતા અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં બાળકોથી લઈ મહિલાઓ, પુરૂષો, વયોવૃધ્ધ તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. શોભાયાત્રામાં મહિલા મંડળના રાસ – ગરબાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવી રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા બાદ પ્રાસંગિક પ્રવચન, ધજાઆરોહણ, થાળ તથા મહાઆરતી અને ત્યારબાદ પંચામૃત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચામૃત મહાપ્રસાદી માં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
આમ, દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ધૂમધામ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.