મેડિકલ મિરેકલ : માત્ર ૧૪ દિવસના નવજાત શિશુએ કોરોનાને આપી માત

0
86

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • ડી-ડાયમર – ૧૨૧૦, સીઆરપી – ૭૮, ઓક્સીજન – ૭૫ છતા બાળકને મળ્યું નવજીવન.
  • D.D.O. રચિત રાજના ધ્યાને આ કિસ્સો આવતા બાળ સખા યોજના અંતર્ગત બાળકની સારવાર કરાઇ.

દાહોદમાં એક મેડિકલ મિરેકલ સર્જાયો છે. માત્ર ૧૪ દિવસનું આયુ ધરાવતા એક નવજાત શિશુએ કોરોના જેવા જીવલેણ રોગને માત આપી છે. જન્મતાની સાથે કોરોના પોઝેટિવ થયેલા આ બાળકની સ્થિતિની દાહોદના જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના ધ્યાને આવતા તેમણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યું હતું. જ્યાં સઘન સારવાર મળતા આ બાળક કોરોનાથી મુક્ત થયું છે. વિશેષ વાત તો એ છે કે, ૧૫ દિવસની સારવાર માટે બાળસખા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવ્યો છે.

એક પખવાડિયા પૂર્વે ઝાયડ્સ ખાતે સારવાર લઇ રહેલા સુનિતાબેન મનોજભાઇ બારિયાને ગત તા. ૨૧ એપ્રિલ ના રોજ ૩.૭ કિલોનું વજન ધરાવતા તંદુરસ્ત બાળકનો જન્મ થયો. સુનિતાબેન પોતે કોરોના પોઝેટિવ હોવાના કારણે બાળકનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો. પ્રથમ એન્ટિજન ટેસ્ટ બાદમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ પોઝેટિવ આવતા ઝાયડ્સ ખાતેના તબીબો ચિંતામાં પડી ગયા હતા. બીજી તરફ, બાળકને જન્મ આપ્યા બાદ સુનિતાબેનની તબિયત પણ વધુ ખરાબ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવા પડ્યા હતા.

આ બાબત જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના ધ્યાને આવી હતી અને તેમણે CDHO ડો. સી.આર. પટેલ તથા ડો. અનુરાગને બાળકને શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરવા માટે સૂચના આપી હતી. એથી, ડો. અનુરાગે બાળસખા યોજના હેઠળ એન્ટાઇટલ થયેલા ડો. સોનલ હઠીલાની હોસ્પિટલમાં સઘન સારવાર માટે સુનિતાબેનના નવજાત પુત્રને ખસેડ્યો હતો. એક તરફ વડોદરા ખાતે માતા વેન્ટીલેટર ઉપર અને અહીં દાહોદમાં પુત્રની સ્થિતિ પણ નાજુક. પણ કહેવત છે ને કે રામ રાખે એને કોણ ચાખે ? પછી જે બન્યું એ મેડિકલ મિરેકલથી પણ વિશેષ હતું.

 THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS 

નવજાતને જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે ડો. સોનલ હઠીલાએ ટેસ્ટ કરાવ્યા તો તેમાં ડી-ડાયમર – ૧૨૧૦, સીઆરપી – ૭૮, ઓક્સીઝન – ૭૫ થી ૮૦ જ હતું. આટલા નબળ રિપોર્ટ હોવા છતાં ડો. હઠીલાએ બાળકની સારવાર શરૂ કરી દીધી. તેમને જન્મના ત્રીજા દિવસથી એન્ટીબાયોટિક દવાની સાથે મ્હોંમાં નળી નાંખીને ફિડિંગ શરૂ કરી દેવામાં આવ્યું. ફિડિંગમાં માત્ર દૂધ જ આપવામાં આવ્યું. પાંચમા દિવસે થોડા રાહત ભર્યા સમાચાર આવ્યા કે બાળકની શ્વાસ લેવાની પ્રક્રીયામાં ધરખમ સુધારો થયો છે. બાળક સામાન્ય રીતે જ શ્વાસ લેતું થઇ ગયું. એથી તેમને છઠ્ઠા દિવસથી ચમચીથી ફિડિંગ શરૂ કરી દેવામાં આવ્યું. આમ ખોરાકની સાથે દવા તથા ડો. હઠીલાના સતત નિરીક્ષણને કારણે બાળકની સ્થિતિ નોર્મલ થઇ હતી. એ દરમિયાન, તેમના માતા સુનિતાબેનની પણ તબિયત સુધારા ઉપર આવવા લાગી. વેન્ટીલેટર ઉપરથી તેમને ઓક્સીજન ઉપર લેવામાં આવ્યા. આમ, એક પખવાડિયાની ઘનિષ્ઠ સારવાર અને આરોગ્ય તંત્રની તત્કાલ કામગીરીના કારણે બાળક કોરોનાથી મુક્ત થયું. તેમને ડિસ્ચાર્જ કરતા પૂર્વે કરતા ટેસ્ટમાં ડી-ડાયમર – ૩૧૦, આરટીપીસીઆર નેગેટિવ આવ્યો. બાદમાં હોસ્પિટલના સ્ટાફે વ્હાલ સાથે બાળકને રજા આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here