રાજ્ય સરકાર અંતરિયાળ વિસ્તારમાં સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે ભગીરથ પ્રયાસ કરી રહી છે – દાહોદનાં પ્રભારી – મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

0
9

  • દાહોદનાં પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ.
  • જિલ્લામાં ૧૧૦૯ વિકાસ કાર્યો માટે રૂ. ૧૧૦૦ લાખના વિકાસ કાર્યોનું આયોજન.
  • ન્યુ ગુજરાત પેટર્નના આયોજન અંતર્ગત ૨૩૨૭ વિકાસ કાર્યોનું આયોજન

મહેસુલ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તરીકે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી હતી. પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લામાં ૧૧૦૯ વિકાસ કાર્યો માટે રૂ. ૧૧૦૦ લાખનું આયોજન કરાયું છે. તદ્દઉપરાંત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પણ યોજાઇ હતી.

જિલ્લાના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, જિલ્લામાં જે વિકાસ કાર્યો પૂર્ણ કરાયા છે તે અભિનંદન પાત્ર છે. પરંતુ જે વિકાસ કાર્યો હાલમાં પ્રગતિ હેઠળ છે તેમને ઝડપથી આટોપવા જોઇએ અને બનતી ત્વરાએ નાગરિકોને વિકાસ કાર્યોનો લાભ મળવો જોઇએ એમ તેમણે ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને ધ્યાને રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે તે બાબતે પણ જણાવ્યું હતું. ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના ૪.૯૦ ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૩૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે તે બાબતે તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, નવી શરતની/સાંથણીની/ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એસ. જે. પંડયાએ એક પ્રેઝન્ટેશનના માધ્યમથી વર્ષ ૨૦૨૨-૨૩ ના આયોજન વિશે માહિતી આપી હતી. જેમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય અંતર્ગત જિલ્લામાં કુલ ૮૩૦ કામોનું રૂ. ૮૧૫.૫૦ લાખના ખર્ચે આયોજન કરાયું છે. જયારે ટીએએસપી જોગવાઇ હેઠળ ૨૩૯ કામોનું રૂ. ૨૩૫ લાખના ખર્ચે આયોજન કરાયું છે. તેમજ ખાસ અંગભૂત જોગવાઇ હેઠળ ૨૯ વિકાસ કાર્યોનું રૂ. ૨૭ લાખના ખર્ચે આયોજન કરાયું છે. ઉપરાંત ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ મુજબ ૧૧ વિકાસ કાર્યોનું રૂ. ૨૨.૫૦ લાખના ખર્ચે આયોજન કરાયું છે.
પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ મળેલ જોગવાઇ મુજબનાં આગોતરા આયોજનની મંજૂરી માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી. પ્રભારી મંત્રીએ પ્રધાનમંત્રી એ આ યોજનાનો આરંભ છેવાડાના માનવી સુધી વિકાસ કાર્યોનો લાભ પહોંચે તે હોવાનું જણાવી, રાજ્ય સરકાર મુખ્યમંત્રી ના માર્ગદર્શનમાં આ માટે ભગીરથ પ્રયાસો કરી રહી છે અને રૂ. ૬૦ કરોડનું માતબર ફંડ પણ આ યોજના માટે ફાળવાયું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં તાલુકાને મળવાપાત્ર જોગવાઇ રૂ. ૫૯૩૭.૦૨ લાખના સામે ૨૩૨૭ વિકાસ કાર્યો માટેનું આયોજન કરાયું હતું. જેમાં પાક અને કૃષિ વ્યવસ્થા, બાગાયાત, પશુપાલન, ડેરી વિકાસ, વન નિર્માણ, સહકાર, સામાન્ય શિક્ષણ, રસ્તા અને પુલો, મધ્યાહન ભોજન, પોષણ સહિતના સદર અંતર્ગત આ વિકાસ કાર્યોનું આયોજન કરાયું છે.

બેઠકમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય સર્વે વજેસિંગભાઇ પણદા, ચંદ્રિકાબેન બારીયા, ભાવેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર સહિતના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, A.S.P. વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here