NewsTok24 પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ : આદિવાસીઓના વહાલાં ”દીતા ગુરુજી” નું  ૯૭ વર્ષની જૈફ વયે નિધન

0
788

સ્વ. શ્રી દિતાભાઈ બામણીયાનો જન્મ ગરબાડા તાલુકાના નેલસુર મુકામે તારીખ 30/06/1923 ના રોજ આદિવાસી કુટુંબમાં સ્વ શ્રી ભલાભાઇ હીરાભાઈ બામણીયા ને ત્યાં થયો  હતો . 1934 માં જેસાવાડા ખાતે પ્રારંભિક શિક્ષણ મેળવી વધુ શિક્ષણ મેળવવાનો શ્રીગણેશ કર્યો હતો અને ધોરણ સાતમા સુધી જેસાવાડા ખાતેજ શિક્ષણ મેળવી 1941મા વર્નાકયુલર ફાઈનલ (વ.ફા.) ની પરિક્ષા પાસ કરી હતી . તે જ વર્ષે તારીખ 01/08/1941 ના રોજ માતવા ખાતે ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1942 માં પી.ટી.સી. કરવા સારૂં અમદાવાદ ખાતે શ્રી પ્રેમચંદ રાયચંદ પ્રાથમિક શિક્ષક તાલીમ કોલેજમાં જોડાઈ અને પરિક્ષા પાસ કરી 1944 ના જુન માસમાં મીરાખેડી આશ્રમમાં શિક્ષક તરીકે જોડાયાં હતા.

1944 થી 1948 સુધી મીરાખેડી આશ્રમમાં ફરજ બજાવી ત્યારબાદ જેસાવાડા અને પુન: મીરાખેડી ખાતે ફરજ બજાવી આમ 1948 થી 1952 સુધી મીરાખેડી ખાતે ફરજ બજાવી હતી. 1953 માં છોટાઊદેપુરના રંગપુર સઢલી ખાતે નવિન આશ્રમ શાળા શરૂ કરવા માટે તેઓને મોકલવામાં આવ્યા હતા.1956 મા સદર આશ્રમ શાળા વડોદરા જિલ્લા પછાત વર્ગ મંડળને સોંપવામાં આવતાં તેઓશ્રી ને વરુણા આશ્રમ શાળા ખાતે બદલી થી નિમણુંક આપવામાં આવી હતી. 1956 થી 1968 સુધી વરૂણા આશ્રમ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. આ સમય દરમ્યાન રચનાત્મક અભિગમ વડે લોકસંપર્ક, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકજાગૃતિના કાર્યક્રમોના વિનીમય વડે આશ્રમ શાળા નું 100 % પરિણામ લાવી રાજ્ય ભર મા પ્રથમ નંબરે આશ્રમ શાળાને પ્રસ્થાપિત કરી હતી. તેઓશ્રીની આ ઉપલબ્ધિઓને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા તેમને 1967-1968 મા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસૈન દ્વારા ઐનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1968 થી 1971 સુધી પાંચવાડા આશ્રમશાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી ત્થા આ સાથે તેઓને નિરિક્ષક તરીકેની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. 1974 મા તેઓ ગુજરાત આદિવાસી વિકાસ પરિષદમાં જોડાઈ ભીલ સેવા મંડળમાં થી રાજીનામું આપ્યુ હતું. 1975 માં તેઓ પ્રચંડ બહુમતિ થી ચુંટાઈને તાલુકા પંચાયતના પ્રમુખ  તરીકે ચુંટાઈ આવ્યા અને સતત 11 વર્ષ સુધી આ પ્રમુખપદ સંભાળ્યું હતું. તેઓના આ સમય ગાળામાં વિકાસ અને લોકહિતના કામોથી લોકચાહના મેળવી હતી. આ બાદ તેઓ જીલ્લા સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે માર્કેટ કમિટી ના અધ્યક્ષ પદે, સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે તથા દાહોદ – ઝાલોદ રુપાંતર મંડળીના અધ્યક્ષ સ્થાને પૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સ્થાનને શોભાવ્યું હતું.

સ્વ.દીતાભાઈના જીવનમાં સૌથી વધુ સ્વ.પૂજ્યશ્રી ઠકકર બાપા તથા સ્વ. પૂજ્ય શ્રી વણીકર દાદા નો સવિશેષ પ્રભાવ રહયો્ હતો. સ્વ શ્રી વણીકર દાદાની સ્મૃતિને જીવન પર્યંત યાદ રહે તે માટે તેમણે તત્કાલીન રાજ્યપાલ શ્રીમતિ શારદાબેન મુખર્જીની અધ્યક્ષતામાં સ્વ.વણીકર દાદા આશ્રમ શાળાની સ્થાપના કરી. આજે સંસ્થાની ગણના રાજયની પ્રતિષ્ઠિત આશ્રમ શાળા ઓમાં થાય છે. નાદુરસ્ત તબિયતને કારણે સંસ્થાને પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડતાં રહયા હતા.

ડાહ્યાભાઈ નાયક, જાલજીભાઈ ડીંડોર, ભીમાભાઈ બબેરિયા અને દિતાભાઈ બામણીયા આ જે એક ટીમ હતી જે લોકોએ ખરેખર ભીલ સેવા મંડળના સત્કાર્યોમાં મહત્વ નો ફાળો આપ્યો છે અને દિતાભાઈ બામણીયા તથા તેમના આ મિત્રો સાદગી અને નમ્રતાનું એક પ્રતીક હતા. અને આ બધી જ વ્યક્તિઓ અવિસ્મરણીય છે અને રહેશે.

દિતા ગુરુજીના અવસાન ની વાત કરતાં ૨૦ વર્ષથી મીડિયા જગતમાં પોતાની સેવા આપી રહેલા દૂરદર્શનના પ્રતિનિધિ એવા પ્રેમશંકરભાઈ કડીયાએ તેમના વિશેની આ માહિતી NewsTok24 ના સીનીયર એક્ઝિક્યુટિવ કેયુરકુમાર પરમારને આપી હતી અને દિતા ગુરુજીને પોતે હૃદય અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ગઈકાલે બપોરના 03.00 કલાકે પોતાના પિતૃક નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાંસ લીધા હતાં. આજે તા.09/02/2019 ના રોજ તેમની સ્મશાન યાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે શુભેચ્છકો, પદાધિકારીઓ, ગણમાન્ય વ્યક્તિઓ, સ્વજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમના પુત્ર અને આદિવાસી વિકાસ પરિષદ એકમના પ્રમુખ અને પૂર્વ તકેદારી અધિકારી અનિલકુમાર બામણીયાએ મુખાગ્નિ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here