- દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાડલીયા ગામ ખાતે આવેલ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી પર તુફાન જીપના પૈડા ફરી વળતા સ્થળ ઉપર જ કરુણ મોત.
- તુફાન જીપનો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળ ઉપર ગાડી મૂકી થયો ફરાર.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કેટલાક વાહન ચાલકો બેફામ બનતા દિન- પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં આજે તા.૧૫/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ પાડલીયા ખાતે આવેલ સાંઈ પ્રાઇમરી સ્કૂલમાં સવારના શાળાએ અભ્યાસ કરવા આવેલી આઠ વર્ષીય બાળકીને શાળાના ગેટ સામે તુફાન જીપના ચાલકે અડફેટમાં લઇ મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકીને સારવાર મળે તે પહેલા જ સ્થળ ઉપર કામકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળેલ છે. અકસ્માત બાદ તુફાન જીપનો ચાલક પોતાના કબજાની ગાડીને ઘટના સ્થળ ઉપર છોડી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંતરામપુર તાલુકાના ચીચાણી તેર ફળિયા ખાતે રહેતા રાહુલભાઈ લાલુભાઈ ગણાસવાની પુત્રી જાનવીબેન રાહુલભાઈ ગણાસવા ઉ.વ.8 ની બલૈયા ક્રોસિંગ પાડલીયા ખાતે આવેલ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી હતી. જે રોજની જેમ આજ રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં શાળામાં અભ્યાસ અર્થે આવેલ હતી. અને ઇક્કો ગાડીમાંથી ઉતરી શાળાના ગેટની સામે બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા જાહેર માર્ગની સાઈડમાં શાળાના ગેટ પાસે ઊભેલી હતી. તેવા સમયે તુફાન ગાડી નંબર GJ-17 CE-0102 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઇડમાં ઉભેલી જાનવીને અડફેટમાં લઈ અકસ્માત કરતાં જાનવીને મોઢાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે તુફાન જીપ નો ચાલક અકસ્માત બાદ પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપર છોડી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળેલ છે.
પરિવારની લાડકી બાળકીનું અકસ્માતે અકસ્મિક મોત નીપજતા પરિવારમાં રોકકળ સાથે સગા સ્નેહીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક જાનવીના પિતા રાહુલભાઈ લાલુભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં મૃતક બાળકીની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી આપી તુફાન જીપનો કબજો લઈ ફરાર તુફાન જીપ ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે.