ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગામનો 35 વર્ષીય યુવાન થ્રેસરમાં આવી જતા કમ કમાટી ભર્યુ મોત. મૃતક યુવાન ચાર માસ અગાઉ જામનગર જિલ્લામાં ખેતી કામની મજૂરી કરવા પરિવાર સાથે ગયેલ હતો થ્રેસરથી જીરું પાક કાઢતા સમયે અકસ્માતે થ્રેસર મશીનમાં મૃતક યુવાનનો હાથ આવી જતા અડધું શરીર થ્રેસરમાં આવી ગયું હતું
હાલ રવિ સિઝનના પાકો જેવા કે ઘઉં,ચણા,રાયડો,જીરું તૈયાર થઈ ચૂક્યા છે.અને તૈયાર થયેલ ખેતી પાકો થ્રેસર મશીનોથી કાઢવામાં આવી રહ્યા છે.ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર સાવચેતીના અભાવે થ્રેસર મશીનથી મોત નીપજવાના બનાવો વધી રહ્યા છે. જેમાં બુધવારના રોજ ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગામના 35 વર્ષીય યુવાન થ્રેસર મશીનમાં આવી જતા કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગામના ડામોર ફળિયામાં રહેતા વિનુભાઈ બચુભાઈ ડામોર ઉંમર વર્ષ 35 ના ઓને સંતાનમાં બે પુત્રો છે જેમાં કિશન ઉંમર વર્ષ 14 તથા રોહિત ઉંમર વર્ષ 13 સહિત ઘરના નવ સભ્યોના પાલન પોષણની જવાબદારી વિનુભાઈ ડામોર નિભાવતા હતા જેઓ ગત ચારેક માસ આગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાંગરકા ગામે પરિવાર સાથે ખેતી કામની મજૂરી કામે ગયેલા હતા
જ્યાં તારીખ 7/3/2023 ના રોજ થ્રેસર મશીનથી જીરુ પાક કાઢી રહ્યા હતા.તેવા સમયે અકસ્માતે વિનુભાઈ ડામોરનો હાથ આવી જતા થ્રેસર મશીનમાં ખેંચાઈ ગયા હતા.અને માથા સહિત અડધું શરીર થ્રેસર મશીનમાં આવી ગયું હતું.જેથી તાત્કાલિક અકસ્માતનો ભોગ બનેલા વિનુભાઈ ડામોરને હાજર લોકોએ થ્રેસર મશીન ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા.અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા દવાખાનામાં લઈ જવામાં આવતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.ઘરના મોભી સમાન કમાઉ સભ્યનું અકાળે આકસ્મિક મોત નીપજતા પરિવાર,ગામ અને સગા સંબંધીઓમાં શોકનો માતમ છવાઈ ગયો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત સંબંધે મૃતકના પત્ની ઝુમલીબેન વિનુભાઈ ડામોરે ધ્રોલ પોલીસમાં જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી પંચનામા બાદ મૃતકની લાશને ધ્રોલ સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હતી.પી.એમ બાદ મૃતકની લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.