- બે દુકાનોમાં ચોરી કરનાર તસ્કર CCTV કેમેરામાં કેદ થયો, દુકાનમાં પ્રવેશ બાદ CCTV કેમેરાની કરી તોડફોડ.
- બે દુકાનોમાં ચોરી કર્યા બાદ તસ્કરો ધાબા ઉપરથી પાટી બાંધી નીચે ઉતરી ફરાર થયા, તસ્કરોનું પગેરું મેળવવા સુખસર પોલીસ સક્રિય થઈ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમા ભરચક વિસ્તારોમાંથી ચોરી થવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. થોડા દિવસ આગાઉ સુખસરના સંતરામપુર રોડ ખાતે આવેલ એક સોસાયટીમાં રહેણાંક મકાન સહિત કરિયાણાની દુકાનમાં ચોર લોકો પોતાનો કસબ અજમાવી લાખો રૂપિયાની ચોરી કરી જવાની જ્યાં શાહી સુકાઈ નથી ત્યાં જ સોમવાર રાત્રિના કોઈ જાણ ભેદુ તસ્કરો સુખસરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બે કરિયાણાની દુકાનોમાંથી કરિયાણાના સામાન સહિત રોકડ રકમ મળી બે લાખ ઉપરાંતની ચોરી કર્યા બાદ એક મકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા દરવાજો નહીં તૂટતા ચોર લોકો ફરાર થઈ ગયા હતા. જ્યારે સુખસર પોલીસે CCTV કેમેરામાં કેદ તસ્કરની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બસ સ્ટેશન વિસ્તારમાં નાની ઢઢેલી તરફ જતા માર્ગ ઉપર હીરાલાલ મોતીલાલ કલાલ કરિયાણાની દુકાન ધરાવે છે. જેઓ રાત્રીના સમયે દુકાન બંધ કરી પોતાના રહેણાંક મકાન ઉપર જતા રહે છે, ત્યારે ગત રાત્રીના કોઈ જાણ ભેદુ તસ્કરોએ કરિયાણાની દુકાને નિશાન બનાવી પાછળના ભાગે ધાબા ઉપર આવેલ દરવાજાને તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રાખેલ રોકડ રૂપિયા 6,000/- નું પરચુરણ તથા રૂપિયા 45,000/- રોકડ સહિત આશરે રૂપિયા 25000/- ના કરિયાણાના સામાનની ચોરીનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળેલ છે. જો કે દુકાનમાં રાખેલા રૂપિયા 30,000/- ના CCTV કેમેરાની તસ્કરોએ તોડફોડ કરી કુલ રૂપિયા 1,06,000/- ની ચોરી થવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જ્યારે બાજુમાં કરિયાણાની દુકાન ધરાવતા નગીનભાઈ દીપચંદભાઈ કલાલ પણ કરિયાણાની દુકાન ધરાવે છે, અને રાત્રીના સમયે દુકાન બંધ કરી પોતાના રહેણાંક મકાન ઉપર ગયા તેવા સમયે ગત રાત્રીના ચોર લોકોએ ધાબા ઉપરના દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રાખેલ આશરે 60,000/- હજાર રૂપિયાનું પરચુરણ, રૂપિયા 20,000/- રોકડા તેમજ 10,000/- ના ચાંદીના સિક્કા સહિત રૂપિયા 25,000/- ના કરિયાણાના સામાન સહિત કુલ રૂપિયા 1,15,000/- ની ચોર લોકો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે.
જ્યારે આ બંને કરિયાણાની દુકાનોની બાજુમાં આવેલ શાકભાજીનો ધંધો કરતા ભાણાભાઈ મોહનભાઈ વણઝારાના બંધ મકાનના ધાબા ઉપરનો દરવાજો તોડવાનો તસ્કર લોકોએ પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો નહીં તૂટતા ચોર લોકોનો મનસુબો પાર પડ્યો ન હતો. તસ્કર લોકોએ દુકાનોના પાછળના ભાગેથી ત્રીજા માળના ધાબા ઉપર જઇ દરવાજા તોડી ચોરીનો અંજામ આપ્યો હોવાનું જણાઈ આવે છે. ચોરી કર્યા બાદ તસ્કરો ધાબાના સળિયા સાથે પાટી બાંધી નીચે ઉતર્યા છે તો ત્રીજા માળ સુધી આ તસ્કરો ચડ્યા કઈ રીતે ? તે એક પ્રશ્ન છે. જો કે ચોરીનો અંજામ આપનાર એક તસ્કર CCTV કેમેરામાં કેદ થઇ ગયેલ છે અને તેના આધારે ચોરીને અંજામ આપનાર તસ્કરોનું પગેરૂ મેળવવા સુખસર પોલીસે ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
આમ, સુખસરમાં બંધ મકાનોને નિશાન બનાવી જાણભેદુ તસ્કર લોકો ઘરફોડ ચોરીને અંજામ આપી આસાનીથી ફરાર થવામાં સફળ થઈ રહ્યા છે. માથું ઊંચકી રહેલા ઘર ફોડીયા તસ્કરોને જેર કરવા પોલીસે સક્રિયતા દાખવી ખૂબ જ જરૂરી જણાય છે.