
- લોકશાહી પરંપરામાં મતદાન અધિકાર સાથે નાગરિક કર્તવ્ય પણ છે
- વિકસિત ભારત થી વિકસિત ગુજરાતના નિર્માણ માટે મતદાન અવશ્ય કરીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં ૧૦૦ ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે.
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. “100 ટકા મતદાન” નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું છે. મુખ્યમંત્રીએ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ ૨૬ એપ્રિલ, રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા હાર્દિક અપિલ કરી છે.


